
લાડોલ ગામના બે યુવાનો, સંજય પટેલ અને તેમના મિત્ર નીરવ ઝાલાએ એવી અનોખી યાત્રા કરી છે કે જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. 1 ઓગસ્ટના રોજ લાડોલથી હરસિદ્ધ માતાના મંદિરે પ્રાર્થના કરીને બંનેએ કેદારનાથ સુધી સાયકલ દ્વારા પહોંચવાનો સંકલ્પ લીધો હતો. સામાન્ય રીતે કેદારનાથની યાત્રા બસ, કાર કે ટ્રેન દ્વારા કરાતી હોય છે, પરંતુ આ બે યુવાનોને અનોખી રીતે પોતાના શ્રદ્ધાસ્થાન સુધી પહોંચવું હતું.

સાયકલ યાત્રા સરળ નહોતી. રસ્તામાં ભારે વરસાદ, ચડાણવાળા પર્વતીય રસ્તા, ઓછી સુવિધાઓ અને સતત વધતી ઠંડી એમ અનેક અવરોધો સામે આવ્યા. છતાંય સંકલ્પ અને શ્રદ્ધાના બળે તેઓ આગળ વધતા રહ્યા. રોજિંદા લાંબી સવારી, સાધનસામગ્રી સાથેનું સંઘર્ષ અને માર્ગમાં મળેલા અજાણ્યા લોકોની સહાય, આ બધું તેમની યાદગાર અનુભૂતિ બની ગયું.
આખરે 17 ઓગસ્ટના રોજ સંજય પટેલ અને નીરવ ઝાલા કેદારનાથ ધામ પહોંચ્યા. ઠંડીનો કડક માર હોવા છતાં મહાદેવના દર્શન કર્યાનો આનંદ તેમની આંખોમાં સ્પષ્ટ ઝળહળતો હતો. તેઓ કહે છે કે કેદારનાથ પહોંચીને થયેલી આધ્યાત્મિક શાંતિ અને સંતોષે સમગ્ર મુસાફરીની થાકને ભૂલાવી દીધી.

આ ખાસ વાત છે કે આપણા સમાજમાં આ પહેલીવાર કોઈએ સાયકલ દ્વારા કેદારનાથ સુધીની યાત્રા પૂર્ણ કરી છે. સંજય પટેલ અને અમિત ઝાલાની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી પરંતુ આખા સમાજ માટે ગૌરવની બાબત છે. યુવા પેઢી માટે આ યાત્રા એક જીવંત ઉદાહરણ છે કે સંકલ્પ, મહેનત અને શ્રદ્ધાથી અશક્ય કંઈ નથી.
ગામના લોકો, મિત્રો અને પરિવારજનો એમની સિદ્ધિથી ગર્વ અનુભવી રહ્યા છે. સમાજમાં ચર્ચા છે કે આવા યુવાનો આપણા સંસ્કાર, શ્રદ્ધા અને ધૈર્યનો જીવંત પરિચય આપે છે.
